બુદ્ધ ના પાંચ મુખ્ય સિદ્ધાંતો (પંચશીલ સિદ્ધાંતો )
૧. જીવહત્યા ન કરવી.
૨. ચોરી ન કરવી.
૩. જૂઠું ન બોલવું.
૪. દારૂ કે બીજાં માદક દ્રવ્યો ન લેવાં.
૫. વ્યભિચાર ન કરવો
બુદ્ધ ધર્મના પંચાંગમાં બુદ્ધપૂર્ણિમા એ અત્યંત પવિત્ર દિવસ છે. એ બૌદ્ધોનો ઘણો અગત્યનો તહેવાર છે. તે ખૂબ ધામધૂમથી ઉજવાય છે. દરેક તહેવારના ખાસ ક્રિયાકાંડ હોય છે. એ તહેવાર ઊજવતા લોકોનાં જીવન, માન્યતાઓ, રિવાજો અને સંસ્કારની આપણને ઝાંખી કરાવે છે.
કોઈને એમ પૂછવાનું મન થાય કે બુદ્ધ પૂર્ણિમા બૌદ્ધધર્મના લોકો શા માટે ઊજવે છે ?
એનો જવાબ બહુ જ સાદો છે ; કારણ કે એ તહેવાર એ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધની જોડે સંકળાયલો છે. જોકે બૌદ્ધધર્મના અનુયાયીઓ દરેક પૂર્ણિમાને પવિત્ર માને છે, પણ વૈશાખ માસની પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. કારણ કે એ દિવસે બુદ્ધનો જન્મ થયો હતો, એ દિવસે દિવ્યજ્ઞાનનો પ્રકાશ એમનામાં ઊતર્યો હતો, તેઓ મૃત્યુ પામ્યા ત્યારે નિર્વાણને પણ એ જ દિવસે પામ્યા. આ અદ્ભુત લાગે એવા ત્રણ પ્રસંગો એક જ દિવસે બન્યા હોવાથી બુદ્ધપૂર્ણિમાનો મહિમા અનેક ગણો વધી જાય છે.
બીજા ધર્મોના અનુયાયીઓ ધર્મના સ્થાપકનો જન્મ, એનું મૃત્યુ તથા મહત્ત્વના પ્રસંગોના દિવસો વિધિપૂર્વક ઊજવે છે, જ્યારે બૌદ્ધધર્મના અનુયાયીઓ માટે તો એ ત્રણે પ્રસંગો વૈશાખી પૂર્ણિમાને દિવસે જ બન્યા હોય છે, એટલે એક જ દિવસમાં બધું સમાઈ જાય છે. એ દિવસે તેઓ નાહીધોઈને સફેદ કપડાં પહેરે છે. એ લોકો વિહારોમાં પૂજા કરવા માટે એકઠા થાય છે અને સાધુઓને ભિક્ષા આપે છે. ઘણા તો આખો દિવસ વિહારમાં બુદ્ધના જીવન અને સંદેશાવિષયક વ્યાખ્યાનો સાંભળતાં સાંભળતાં જ વિતાવે છે અથવા ઉપદેશ આપવા માટે સાધુઓને પોતાને ઘેર આવવા આમંત્રણ આપે છે.
બુદ્ધ પૂર્ણિમાને દિવસે બૌદ્ધો માંસ ખાતા નથી. તેઓ ગરીબોની સાથે ખીર ખાય છે. જાહેર જગ્યાઓમાં મંડપ બાંધીને ત્યાં પરબ માંડીને લોકોને ચોખું પાણી પૂરું પાડે છે. તે દિવસે દાન કરે છે, તેમાં પશુપક્ષી તરફ પ્રેમ અને મમતાનો સમાવેશ થાય છે.
તેઓ પિંજરામાં પૂરાયેલાં પક્ષીઓને ખરીદે છે અને પછી પક્ષીઓને છોડી મૂકે છે. તેવી જ રીતે જે જનાવરોને ખાટકી કતલ કરવા માટે લઈ ગયો હોય છે તે જનાવરોને ખાટકીને પૈસા આપી છોડાવે છે.
બુદ્ધપૂર્ણિમાને દિવસે બૌદ્ધો વાંસમાંથી ‘ વૈશાખ વકાત ’ બનાવી એને તારાઓથી મઢે છે અને તેનાથી ઘરને શણગારે છે . કેટલાક લોકો પોતાના ઘરની દીવાલો પર કાગળ અથવા કપડું લગાડીને બુદ્ધ ગૌતમરૂપે જન્મ્યા તે પૂર્વેના એમના અવતારોના જીવનપ્રસંગો જે જાતક કથામાં આલેખ્યા છે તેને આધારે, ચિત્રો ચિતરે છે.
જુદા જુદા બૌદ્ધ દેશો આ મહાન દિવસ એમની પોતાની વિશિષ્ટ રીતે ઊજવે છે. શ્રીલંકામાં એ દિવસ આપણે ત્યાં દિવાળી ઉજવાય છે, તેમ જ ઉજવાય છે. ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવે છે. ગરીબમાં ગરીબ માણસોને ત્યાં પણ તેલનો એકાદ દીવો પ્રગટાવેલો તો દેખાવાનો જ.
જાપાનમાં બૌદ્ધોએ આઠમી એપ્રિલને બુદ્ધના જન્મદિન તરીકે નક્કી કર્યો છે. એ દિવસે તેઓ વસંતઋતુનાં ફૂલોનું ચૈત્ય ( મંદિર ) બનાવી તેમાં બુદ્ધની નાની મૂર્તિ પધરાવે છે. તેઓ ખૂબ આદરથી એ મૂર્તિને સ્નાન કરાવી તેને શણગારીને પૂજા કરે છે.
બ્રહ્મદેશમાં બૌદ્ધો બુદ્ધના માનમાં મહિનાનો એક દિવસ અલગ રાખે છે. બુદ્ધને બોધિવૃક્ષની ( પીપળાનું વૃક્ષ ) નીચે તપ કરતાં દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું તેથી પીપળાને વાવવાનો અને એ વૃક્ષને પાણી પાઈને ઉછેરવાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે.
કવિતામાં, નવલકથામાં, બુદ્ધપૂર્ણિમા દિવસની ઉજવણીની વાતો વિસ્તારથી લખાઈ છે અને બુદ્ધજીવન અનેક ચિત્રોમાં પણ અંકિત થયું છે, કારણ કે બુદ્ધપૂર્ણિમા માત્ર આનંદ માણવાનો જ દિવસ નથી પણ જગતના એક મહાન ગુરુના જીવન અને ઉપદેશ વિષે ચિંતન કરવાનો પણ દિવસ છે.
.jpg)





No comments:
Post a Comment